અમદાવાદઃ હાથીજણમાં ડીપીએસ સ્કૂલ સંકુલમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ બહેનો લોપામુદ્રા અને નિત્યાનંદિતાને શોધવાની હેબિયસ કોર્પસની રિટમાં યુવતીઓના પિતા જનાર્દન શર્માએ જમૈકાના ભારતીય દૂતાવાસ સામે ૨૪મીએ પિટિશન નોંધાવી છે. પિતાની રજૂઆત છે કે, પુત્રીઓએ જમૈકાની રાજધાની કિંગ્સ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના એટેચી એમ. પી. કર સમક્ષ ૮મીએ સોગંદનામું કર્યું છે. તેમાં બંને કહે છે કે બંનેએ ઇચ્છાથી ભારત છોડયું છે અને ભારત આવવા માગતી નથી.
જોકે સોગંદનામાની વિગતો અંગે જમૈકાનું ભારતીય દૂતાવાસ વલણ સ્પષ્ટ કરે તે જરૂરી છે. બંનેને નિત્યાનંદના બંધનમાંથી છોડાવા કેસ ચાલે છે. તેની જાણ ભારતીય દૂતાવાસને થવી જોઇએ. આ કેસની વધુ સુનાવણી ચોથી ફેબ્રુઆરીએ થશે. ઉલ્લેખનીય છે કે હાથીજણ આશ્રમમાંથી ગુમ યુવતીઓના કેસમાં આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરાઈ હતી તેની વિરુદ્ધ ફાઈલ થયેલી ચાર્જશીટમાં ગુજરાત પોલીસે નિત્યાનંદને વોન્ટેડ જાહેર કર્યો હતો અને ૨૨મીએ ઈન્ટરપોલે પણ રેપ અને યૌનશોષણના આરોપી નિત્યાનંદની શોધખોળ માટે બ્લૂ કોર્નર નોટિસ જારી કરી દીધી હતી.

